Sunday 6 December 2015

કોર્પોરેશનમાં કમળ- પંચાયતમાં પાટીદાર - કાંઈ નવું થયું?

કોર્પોરેશનમાં કમળ- પંચાયતમાં પાટીદાર - કાંઈ નવું થયું?

વિશ્વ ફલક પર રાજકીય ઉથલ-પાથલો અને નવા વૈશ્વિક પ્રશ્નોની તીવ્રતાનું વર્ષ બની રહેશે 2015. ભારત તેમાંથી બાકાત રહેશે પણ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનું રાજકારણ આ વર્ષે નવી માર્ગદર્શિકાઓ લઈને આવ્યું છે. જનતા માર્ગદર્શક છે અને રાજકીય પક્ષોએ બોધના વિદ્યાર્થીઓ....

મધ્યમગતિએ અને રોડની એકદમ સાઈડમાં ચાલતા વાહનની બાજુમાંથી કોઈ 120ની સ્પીડે પસાર થઈ જાય અને વિચારોનો જે સન્નાટો વ્યાપે તેવી કાંઈક ઘટના છેલ્લા ચાર મહિનામાં ગુજરાતના બંન્ને મુખ્ય રાજકીય પક્ષોએ જોઈ છે. આ ચાર મહિનાના ટાઈમ લેપ્સને જૂઓ તો લાગે કે પ્રમાણમાં મેચ્યોર જણાતા ગુજરાતના માત્ર બે મુખ્ય પક્ષોને અણસાર પણ ન આવે એવા ધીમા કદમે ઘટના ઘટતી ગઈ અને તેનું સ્વરુપ મોટું થતું ગયું. 7મી જુલાઈ એ તારીખ હતી જ્યારે મહેસાણામાં કેટલાક પાટીદાર યુવકો એક રેલી સ્વરુપે રસ્તા પર ઉતર્યા અને તેમની માગ રજૂ કરી કે અમારે અનામત જોઈએ છે. શરુઆતમાં આ એક સામાન્ય રેલી હતી, જેની સોસીયો-પોલીટીકલ ઈમ્પેક્ટ વિશે કોઈએ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કર્યો નહી. શરુઆત થઈ અેક એવા અભિયાન જેમાં સ્વીકૃતિ, ધિક્કાર અને વિભાજનના નવા આયામો હતા. 

બંધારણની દ્રષ્ટિએ સુસંગત ન હોય તેવી વાત પણ નવલોહિયા યુવાનોની જીદ્દ તેમાં ઉમેરાઈ અને આંદોલન મોટું થતું ગયું. 80ના દસકામાં અને ચોક્કસ રીતે 1990 પછી જે પાટીદારો છુટાછવાયા પણ કોંગ્રેસ સાથે હતા તે પાટીદારોએ ભાજપને વિકલ્પ તરીકે સ્વીકારવાનો શરુ કર્યો. કોંગ્રેસથી મન ભરાઈ જવાના કેટલાક કારણો પણ જ્ઞાતિગત હતા, તેમાં અત્યારે નહી પડીએ તો પણ કોંગ્રેસથી પાટીદારોએ છેડો ફાડ્યો અને ભાજપ સાથે રહેવાનું મન બનાવ્યું ત્યાર થી અત્યાર સુધી ભાજપને ખુબ લાડ લડાવ્યા છે. પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર મતોનું ધ્રુવિકરણ થવાનું હતું તેની જાણ ખબર નહી પણ કેમેય ભાજપને તો હતી જ. કોંગ્રેસ છુપા રાહે જોવામાં અને મદદ કરવામાં એ શાણપણ માનતી હતી કે ખરેખર મતોનું ધ્રુવિકરણ થઈને લાભ કોંગ્રેસને થાય છે કે કેમ? 

મુળ શહેરોએ તમામ ગણિતોને ઠેબુ મારીને ભાજપને સ્વીકારી પણ કસબા અને ગામોમાં જે અસર પડી છે તે ગુજરાતના રાજકારણની દિશા બદલનારી છે તેમાં કોઈ બે મત ન હોઈ શકે. કોંગ્રેસની એવી કોઈ મહેનત કે પ્લાનીંગ ન હતું કે 31માંથી 22 જિલ્લા પંચાયતો પર કોંગ્રેસને જ્વલંત વિજય મળે. પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતના જે પોકેટ્સમાં પટેલ મતો નિર્ણાયક છે તે મતો એક પક્ષની વિરોધમાં પડ્યા છે, એટલે કે ભાજપ વિરોધી મતદાનનો માનો જુવાળ ઉભો થયો. કોંગ્રેસ સીવાય બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે કોંગ્રેસે બાજી મારી પણ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો જે જનાધાર વધ્યો તેનું વહેલું એનાલીસીસ કરો તો 97 વિધાનસભા મતક્ષેત્રો કોંગ્રેસના થાય. મોટેભાગે વિધાનસભાની ચૂંટણી વખતે મતદાન અને પરિણામ પહેલા ભાજપ શહેરોની 64 બેઠકો જીતી ચૂક્યુ હોય છે અને તેને મહેનત બાકીની 118 બેઠકોમાંથી સ્પષ્ટ બહુમતિ માટે માત્ર 28 જીતવાની હોય છે. અને આ 28 જીતવા માટે પણ ભાજપની પોતાની ચોક્કસ મતબેંક તેનું કામ સરળ કરી નાખે છે, જે સજ્જડ ચૂંટણી પ્લાનીંગથી વઘારે સરળ થઈ જાય છે. 

ખરાખરીનો ખેલ હવે શરુ થયો છે. 18 થી 20 ટકા જેટલા પાટીદાર મતો જે મતક્ષેત્રોમાં નિર્ણાયક છે તેમના રુઠવાનો ડર ભાજપને પેઠો છે. શહેરોમાં પણ વોર્ડ વાઈઝ એનાલીસીસ કરો તો સ્પષ્ટ થાય છે કે જે શહેરમાં પાટીદારોની વસ્તી જ્યાં નિર્ણાયક છે ત્યાં કોંગ્રેસની પેનલ જીતી છે અથવા તો કોઈક વિસ્તારોમાં ભાજપની પેનલ તુટી છે. કોર્પોરેશનમાં કમળ એટલે ખીલ્યું કે મુળ શહેરી ઈલાકામાં જ્યાં ગટર પાણીના પ્રશ્નો નથી, સોસાયટીના રોડ સારા છે, વિસ્તારમાં બગીચાઓનું નિર્માણ થઈ રહ્યું છે, રીક્રિએશનલ એક્ટીવીટી માટે કોઈને કોઈ કામ થઈ રહ્યું છે ત્યાં ભાજપથી રુઠવાનો પ્રશ્ન નથી ત્યાં ભાજપને મત મળે, પરંતુ શહેરોના ચોક્કસ ઈલાકાઓમાં જ્યારે મોટી ચૂંટણીમાં મતોનું ધ્રુવિકરણ થાય તો તેનો સરવાળો આમ તો બાદબાકીમાં જ પરીણમે તે ભાજપ બરાબર જાણે છે. 

કોર્પોરેશનમાં કમળ અને પંચાયતમાં પંજાનું ગણીત કાંઈક નવા પરીમાણો સર્જી રહ્યું છે. હવે પ્લાનીંગ રાજકીય પક્ષોએ 2017 માટે કરવાનું છે. એ પહેલા જનતા જનાર્દનનો મોહભંગ થઈ જાય તો? 

No comments:

Post a Comment