Tuesday 8 May 2012

મોદી-નીતિશ હેન્ડશેક અને આપણું રાજકારણ. . .

હમણાં નીતિશકુમાર અને મોદીના હેન્ડશેકનો મુદ્દો ચાલ્યો. બિહારમાં નકામા બની ગયેલા લાલુપ્રસાદ યાદવને ટીવી પર બોલવાનો મુદ્દો મળી ગયો. ટીવીમાં આ પ્રકારના પત્રકારત્વને માટે ખુબ સ્પેસ છે. હવે અખબારો ક્યારેક આવી ઘટનાઓને પગલે ટીવીના ગળામાં તેમની રાશ હોય તેમ તણાવું પડે છે. મુળ વાત એ છે કે મોદી સાથે હાથ મેળવ્યા એ સમાચારનો મુદ્દો બનવો જોઈએ કે કેમ. . મોદી એક રાજ્યના મુખ્યમંત્રી છે, અને જે જગ્યાએ એન.સી.ટી.સીની મીટીંગ હતી ત્યાં તે અનઈનવાઈટેડ પણ ન હતા. નીતિશકુમાર એક રાજ્યના મુખ્યમંત્રી છે, રાજકારણના મુદ્દે ગમે તેટલા મતભેદો હોય પણ સામસામા આવી જાય તો બોલાવવાના સંબંધો તો હોય જ એ વાત આ દેશના લોકો નથી સમજતા એવું માધ્યમો સમજે છે. ગુજરાત અને બિહારના સંદર્ભમાં જે કાંઈ ઘટનાઓ બની છે, તેનાથી તમામ લોકો વાકેફ છે, છતાં સામસામા બે દિગ્ગજો મળે તો પ્રેમથી બોલાવાના સંબંધો તો હોય જ એ વાત મને ગળે ઉતરે છે. ભારતના ભેળસેળીયા રાજકારણમાં એવું કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી દોસ્ત નથી. બસ એના જ બે દાખલા છે જેની વાત અહીં કરું છું. 

1999માં ભાજપને દોઢસોથી વધુ બેઠક મળી અને કેન્દ્રમાં સત્તા માટે સૌથી મોટા પક્ષ તરીકે તેને આમંત્રણ મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું. ભાજપે સત્તા હાંસલ કરી તેમાં મુખ્ય બે મુદ્દા હતા. રામમંદિરનું નિર્માણ, કશ્મીરની 370મી કલમની નાબુદી. આ વચનોથી ભાજપ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો અને વાત આગળ વધી. સામે પક્ષે કશ્મીરની તે વખતની સત્તાધારી પાર્ટી નેશનલ કોન્ફરન્સની વિચારધારાની તદ્દન વિરુધ્ધનો એક મુદ્દો 370ની કલમનો નહતો. કશ્મીરને જે સ્વાયત્ત રાજ્ય તરીકે જે ખાસ હક્કો પ્રાપ્ત છે તે બંધારણની 370ની કલમને આધીન છે, અને આ નાબુદીની વાત ભાજપ કરતો હતો. ભાજપને સત્તા માટે સ્થાનિક પક્ષોની જરુર પડી. આંચકાજનક વાત એ હતી કે કશ્મીરની સ્થાનિક પાર્ટી આ નેશનલ કોન્ફરન્સ જ તે સત્તામાં ભાગીદાર બની અને હાલના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એ ભાગબટાઈમાં એવીયેશન મીનીસ્ટર બન્યા. જ્યાં બે વિચારધારાઓ આમને સામને હોય ત્યાં સત્તા માટે આ ઘટના બની હતી. કારણ કે સત્તા માટે વિચારધારા કોઈ મહત્વ રાખતી નથી. છેલ્લે 2002માં ગુજરાતમાં તોફાનો થયા અને નેશનલ કોન્ફરન્સે એન.ડી.એમાંથી હાથ પગ ખેંચી લીધા. 

બીજો મુદ્દો એ છે કે વર્ષ 2004માં એન.ડી.એ ફીલ ગુડ ન કરાવી શકી અને સામાન્ય ચૂંટણીમાં ભાજપને વિપક્ષમાં બેસવું પડ્યું, અને કોંગ્રેસ સત્તા પર આવી. યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સનું નિર્માણ થયું. આ પહેલા કોંગ્રેસમાંથી છુટા પડેલા અને હાલ વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોતા શરદ પવાર એ મુદ્દે કોંગ્રેસથી છુટા પડેલા કે સોનીયા ગાંધી વિદેશી મુળના છે, અને દેશની સૌથી મોટી પાર્ટીના વડા ન બની શકે. શરદ પવારે પોતાનો અલગ પક્ષ રચ્યો. મહારાષ્ટ્રના રાજકારણમાં શક્તિશાળી મનાતા શરદ પવાર પાસે 2004માં કોઈ સત્તા ન હતી. એટલે 2004માં જ્યારે યુપીએને જરુર પડી તો શરદ પવાર મેદાને ઉતર્યા અને હાથ મેળવી દીધા. તો, કોંગ્રેસ પક્ષના વડાં તરીકે સોનીયા ગાંધી જ હતા અને સરકારનું ગઠન થયું અને યુપીએ રચાઈ તેના ચેરપરસન પણ સોનીયા ગાંધી જ રહ્યાં અને છે. તો આ હાથ મેળવવાની પ્રક્રિયાને કેમ માધ્યમોએ પણ સહજતાથી સ્વીકારી લીધી. 

આ પ્રકારની ઘટનાઓ સમાચાર તો બની જાય પણ કન્સ્ટ્રક્ટીવ બાબતો આ ઘટનાઓની પાછળ જ દબાઈ જાય છે. નીતિશકુમાર અને મોદી હાથ મેળવે તે સમાચાર એકવાર ચાલી પણ જાય, જ્યારે રાજકારણની વાત હોય ત્યારે પેલી દોસ્ત અને દુશ્મની વાળી વાત યાદ રાખવા જેવી છે. . .

Thursday 3 May 2012

ગુજરાતમાં હુડદંગ. .

ગુજરાતમાં રાજકીય ઘટનાઓનો પાર નથી અને ઘટના માત્ર નથી એવી સ્થિતિ છે. પહેલી મેની ઉજવણી દાહોદમાં થઈ અને છેક ગુંજારવ લોકસભામાં થયો. શરમજનક ઘટનાઓની હારમાળા . . સ્થાનિક માધ્યમો પણ બીજા દિવસે જાગ્યા. પોલીસને ખબર ન હતી કે જેમને ટીંગાટોળી કરીને લઈ જવાઈ રહ્યાં છે તે સાંસદ છે, કે પછી ખબર હતી એટલે જ આવો વ્યવહાર થયો. ઘટના પછી જે રાજકારણ શરું થયું એણે પણ પહેલી મેની ગરીમાને લાંછન લગાડ્યું.